Nirmal Kutch
Breaking News
Breaking News કચ્છ ગુજરાત

મુંદરા આરોગ્ય તંત્ર દ્વારા ચોમાસા પહેલા આગોતરા પગલાં લેવાયા.

મુંદરા આરોગ્ય તંત્ર દ્વારા ચોમાસા પહેલા આગોતરા પગલાં લેવાયા

મુંદરા,તા.૨: ચોમાસા અને ત્યારબાદનાં મહિનાઓ દરમ્યાન મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે આ રોગોનો ફેલાવો કરતા મચ્છરો ખાસ કરીને ઘરની અંદર તેમજ ઘરની આજુ – બાજુ સ્થિર થયેલા પાણીમાં ઉત્પન થતા હોય છે ત્યારે કચ્છના મુંદરામાં પણ વરસાદનું આગમન થતાં આગામી દિવસોમાં મચ્છરથી ફેલાતા મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગોને અટકાવવા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે

જેના ભાગરૂપે તાજેતરમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ક્રિષ્નાબેન ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ મુંદરા શહેરમાં આરોગ્ય કાર્યકરોની ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.  જેમાં અલગ અલગ વિસ્તારમાં 11 ટીમો દ્વારા 687 ઘરોની મુલાકાત લઈને મેલેરીયા – ડેન્ગ્યુ જેવા રોગોના ઉત્પતિ સ્થાન એવા 3543 પાણીના પાત્રો તપાસવામાં આવ્યા હતા જેમાં 5 પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો ઉપરાંત 538 પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે તાવના લક્ષણો ધરાવતા 31 લોકોના લોહીનું મેલેરિયા નિદાન માટે પરીક્ષણ કરવામાં આવેલ જેમાંથી એક પણ મેલેરીયાનો કેશ જણાયેલ નથી.

તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે લોકો જાતે જ તકેદારી રાખે અને તાવના લક્ષણો જણાય કે તરત જ નજીકના આરોગ્ય કર્મચારી કે સરકારી દવાખાનામાં તપાસ કરાવીને સંપૂર્ણ સારવાર લે તે જરૂરી છે. આ રોગો ચેપી દર્દીને મચ્છર કરડે અને તે મચ્છર ચેપી બનીને તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે થાય છે તેવી સમજણની સાથે જો યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો મેલેરિયા – ડેન્ગ્યુથી બચી શકાય છે તે માટે લોકોએ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, સવાર સાંજ બારી બારણાં બંધ રાખવા, ઘરમાં લીંબડાનો ધુમાડો કરવો, બારી દરવાજામાં નેટ લગાવવી ઉપરાંત રોગનો ફેલાવો કરવા માટે જવાબદાર મચ્છર ચોખ્ખાં પાણીમાં જ ઈંડા મુકતો હોઈ જો પાણીમાં મચ્છરના પોરા જોવા મળે તો તાત્કાલિક તેનો નાશ કરવો, અઠવાડિયામાં એક વખત પાણી ભરેલા પાત્રો ઘસીને સાફ કરીને સુકાવવા, ઘરની આસપાસ ખાડા ખાબોચિયા હોય તો તે પુરાવી દેવા કે પાણી વહેવડાવી દેવું, અગાસી કે આંગણામાં પાણી ભરાઈ રહે તેવા ભંગાર પાત્રોનો ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરી દેવો કે પાણી ન ભરાય તે રીતે પાત્રો ઊંધા રાખવા, હોજ અવેડા જેવા કાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોમાં ગપ્પી માછલી મૂકવા જેવા વિવિધ સૂચનો કરીને મેલેરીયા ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોથી બચી શકાય છે તેવી જાણકારી આપી હતી.

Related posts

કચ્છના તોરણ સફેદરણ ખાતે આજરોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

nirmalkutch

વિથોણ-દેવપર(યક્ષ) રોડ નવીનીકરણના બદલે ખાડા પુરાતા વાહનચાલકોમાં નારાજગી જોવા મળી.

nirmalkutch

અંજારના યુવાન નાગરાજસિંહ ઝાલાને હરીફાઈમાં એવોર્ડ અપાયો.

nirmalkutch

Leave a Comment