મુન્દ્રામાં શંકાસ્પદ ઓરીનો કેસ દેખાતા આરોગ્ય તંત્ર એલર્ટ
ઓરીની રસી લેવાથી રોગની તીવ્રતા ઘટી જાય છે

છીંક અને ઉધરસ દ્વારા ફેલાતા અત્યંત ચેપી રોગ ઓરીથી બચવા રસીકરણ જ એકમાત્ર ઉપાય
બાકી રહી ગયેલા બાળકોના વાલીઓને ઓરી રૂબેલાની રસી સમયસર લઈ લેવા અપીલ કરવામાં આવી
મુન્દ્રા, તા.26: તાજેતરમાં મુન્દ્રાના મચ્છીપીઠ વિસ્તારમાં ઓરીનો શંકાસ્પદ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અન્ય કોઈ બીજા કેસો જોવા મળ્યા ન હતા. પરંતુ દેશભરમાં ઓરીના કેસો વધ્યા છે ત્યારે મુન્દ્રાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.
તાલુકાકક્ષાએ યોજાયેલ તબીબી અધિકારીઓની મિટિંગમાં આ અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. વધુ વિગત આપતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાને જણાવ્યું હતું કે ઉધરસ અને છીંક દ્વારા ફેલાતા અત્યંત ચેપી રોગ ઓરીનું સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે.
પરંતુ જો બાળકને સમયસર ઓરી રુબેલા રસીના બે ડોજ આપવામાં આવ્યા હોય તેવા બાળકોને ચેપ લાગ્યા બાદ પણ રોગની તીવ્રતા ઓછી જોવા મળે છે અને બાળ જિંદગી બચાવી શકાય છે.
સામાન્ય શરદીથી શરૂઆત થયા બાદ માથાનો દુખાવો, શરીરમાં પીડા, ગળામાં દુખાવાની બાળક ફરિયાદ કરતું હોય છે ત્યાર બાદ સૂકી ઉધરસ સાથે સતત તાવ આવવો એ ઓરીના લક્ષણો હોઈ શકે છે.
ત્રણ થી પાંચ દિવસ પછી શરીર પર ફોલિયો દેખાય છે જેની શરૂઆત કપાળના ભાગથી થઈને સમગ્ર શરીરના નીચેના અંગો સુધી પહોંચે છે. આ રોગની કોઈ ખાસ સારવાર નથી પરંતુ લક્ષણો આધારિત દવા આપવામાં આવે છે.
મુન્દ્રાના પાંચ વર્ષના બાળકને ઉધરસ સાથે તાવ આવતા પ્રથમ સ્થાનિકે ડો. આરીફ ગાંચી પાસેથી સારવાર કરાવ્યા બાદ ફરક ન પડતા વધું સારવાર માટે માંડવીના બાળ રોગ નિષ્ણાંત ડો. સચદે પાસે નિદાન કરાવતા શંકાસ્પદ ઓરી હોવાનું માલુમ પડ્યું હતું. જેનું મુન્દ્રાની શાળા આરોગ્ય ટીમના ડો. સંજય યોગી તથા ડો. સુહાના મિસ્ત્રીની ટીમ દ્વારા રોગના ચોક્કસ નિદાન માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. સંબંધિત બાળકે ઓરીના રસીના બન્ને ડોજ લીધેલા હોવાથી રોગની તીવ્રતા ઓછી જોવા મળી હતી.
જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તથા જેમણે આ રસી નથી લેવડાવી તેવા બાળકો આ રોગનો સહેલાઈથી શિકાર થઇ શકે છે. જેમાં સમાન્યત તાવ, શરદી, ઉધરસ, શરીર પર દાણા થવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે અને અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક મોતના મુખમાં પણ ધકેલાઈ શકે છે. અને જ્યાં સુધી ૯૫ ટકાથી વધુ રસીકરણ ન થાય ત્યાં સુધી ઓરી રૂબેલાને નાથવો મુશ્કેલ છે જે માટે તમામ વાલીઓ પણ પોતાના બાળકોને નજીકના સરકારી દવાખાના કે ખાનગી બાળરોગ નિષ્ણાંત પાસે રસી મુકાવીને રાષ્ટ્રીય કામગીરીમાં સહયોગ આપી દેશમાંથી ઓરી રૂબેલા નાબૂદ કરવા સહકાર આપે એવી અપીલ મુન્દ્રાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કૈલાસપતિ પાસવાન દ્વારા કરવામાં આવી છે.