અંજાર: શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા આઈ શ્રી ખોડીયાર ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ જન્મોત્રી સોસાયટી, મેઘપર રોડ, નયા અંજાર મધ્યે આવેલા આઈ શ્રી ખોડીયાર – ખોડેશ્વર મહાદેવ મંદિર મધ્યે તા.૨૯-૧-૨૦૨૩ ના રવિવારે મહા સુદ આઠમના આઈ શ્રી ખોડીયાર જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે
. આ પ્રસંગે સવારે ૮-૩૦ કલાકે મંદિર મધ્યેથી એક શોભા યાત્રા સંગીતના સથવારે નીકળશે. જેમાં ભાવિક ભક્ત ભાઈ બહેનનો જોડાશે. જે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ફરી મંદિર મધ્યે વિરામ લેશે. આ મંદિર મધ્યે હોમ હવન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે બપોરે ૧૨-૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ મહાપ્રસાદ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામ સખી મંદિરના મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ, માટેલ ખોડીયાર મંદિરના મહંત શ્રી ખોડીદાસ બાપુ ઉપસ્થિત રહેશે અને આર્શિવચન પાઠવશે. આ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તમામ ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબ જ પ્રાચીન એવા આ ધાર્મિક આસ્થાના કેન્દ્ર આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો તા.૧-૧-૨૦૧૧ ના શુભ દિવસે જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. ગત શ્રાવણ માસે આ મંદિરના પટાંગણમાં શ્રી ખોડેશ્વર મહાદેવનું સ્થાપન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
આઈ શ્રી ખોડીયાર ગ્રુપ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ નું જતન કરવાના ભાગરૂપે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ખોડીયાર જયંતિ, નવરાત્રી પર્વ, હોળી- ધુળેટી પર્વ ,જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ, રુદ્રાભિષેક, બ્લડ ડોનેશન કેમ્પ ,દરિદ્ર નારાયણ અને જરૂરિયાત મંદોની સેવા જેવી પ્રવૃત્તિઓથી આ સંસ્થા સતત ધમધમતી રહે છે.
તેમની આ પ્રવૃત્તિઓ અને યોજાતા કાર્યક્રમોમાં આઈ શ્રી ખોડીયાર ગ્રુપના યુવાનો સાથે કચ્છ જિલ્લા, તાલુકા અને શહેરના આગેવાનો પણ જોડાઈ સંસ્થાને પ્રેરકબળ પૂરું પાડે છે. આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે દરરોજ સવાર સાંજ આરતી તેમજ અવારનવાર મહા આરતીનો કાર્યક્રમ પણ યોજાય છે. સવારના ભાગે પુરુષવર્ગ અને સાંજના ભાગે મહિલા વર્ગ દ્વારા પ્રતિદિન સત્સંગ કરવામાં આવે છે.
અંજારના રમણીય એવા આસ્થાના આ કેન્દ્રની મુલાકાત લઈ માતાજીના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. ગ્રુપ દ્વારા અંજારમાં આવેલા આ સ્થાને પ્રાર્થના હોલ ,સત્સંગ હોલ, પટાંગણ ને સ્વચ્છ અને નિર્મળ રાખવામાં આવે છે. તેમજ ફૂલ છોડ સહિત વૃક્ષારોપણ ની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.
આમ, કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારના સ્વચ્છતા મિશન અને વૃક્ષારોપણ ની પ્રવૃત્તિ સાથે આ સંસ્થા સહભાગી બની છે. આજુબાજુના વિસ્તારમાં રહેતા શાળા- હાઇસ્કુલ- કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આ સ્થળે દર્શન કરી સરસ્વતી સાધના માટે નીકળતા જોવા મળે છે.
આમ આઈ શ્રી ખોડીયાર ગ્રુપ અને તેમની પ્રવૃતિઓ થકી તે એક પ્રેરણાદાયક સંસ્થા ગણાવી શકાય. તેમની આ પ્રવૃત્તિઓથી તેમને ઠેર ઠેર ત્યાં અભિનંદન અને શુભેચ્છાઓ પ્રાપ્ત થતી રહે છે.